કર્ણાટકમાં સરકાર બનાવવા ધમાસાણ ચાલુ,કોંગ્રેસ-જેડીએસએ ધારાસભ્યો તોડવાનો આક્ષેપ કર્યો

કર્ણાટકમાં સરકાર બનાવવા માટે જેડીએસ-કોંગ્રેસ અને ભાજપ દાવો રજુ કરશે.
By: Monika Vyas   PUBLISHED: Wed, 16 May 2018 11:14:36 +0530 | UPDATED: Wed, 16 May 2018 23:19:02 +0530


બેંગલુરુ

કર્ણાટકમાં સરકાર બનાવવા માટે ભાજપ અને કોંગ્રેસ-જેડીએસ દ્વારા એડીચોટીના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.એક તરફ ધારાસભ્યોના હોર્સ ટ્રેડિંગના આરોપો લાગી રહ્યાં છે તો બીજી તરફ સરકાર બનાવવા માટેની કવાયતો પણ શરૂ થઇ ગઇ છે.

બુધવારે સવારથી જ સરકાર બનાવવા માટે ત્રણેય પક્ષોના સીનીયર નેતાઓની મીટીંગ શરૂ થઇ હતી.ભાજપ ધારસભ્ય દળની બેઠક આજે મળી રહી છે.ભાજપના નેતા બી એસ યેદુયુરપ્પાએ જણાવ્યું હતું કે અમારા ધારાસભ્યોની મીટીંગ મળી રહી છે,જેમાં વિધાયક દળના નેતાને ચૂંટવામાં આવશે.એ પછી અમે સીધા રાજ્યપાલને મળવા જઇશું.

બીજી તરફ જનતા દળ(એસ)ના નેતા સરવાનાએ ભાજપ પર આરોપ મુકતા જણાવ્યું કે તેઓ (ભાજપ) અમારા માણસોને ફોન કરે છે,પરંતું અમારા માણસો તેમને ઉત્તર આપતા નથી.અમે બધા એકમત છીએ.અમારા ધારાસભ્યો પક્ષને વફાદાર છે.

જેડીએસના ધારાસભ્ય શ્રવણે પણ કહ્યું કે અમારા 4-5 ધારાસભ્યોનો સંપર્ક કરવામાં આવ્યો છે,પરંતું અમે બધા એકજુટ છીએ.

કોંગ્રેસ ધારાસભ્ય અમેર ગૌડા લિંગાનાગૌડા પાટિલ બાય્યાપુરે જણાવ્યું છે કે, તેમને ભાજપના નેતાનો ફોન આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, અમારી સાથે આવી જાઓ અમે તેમને મંત્રાલય આપીશું. અમે તમને મંત્રી બનાવી દઈશું. પરંતુ મે ના પાડી દીધી. અમારા મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી છે

ભાજપ દ્વારા દાવો કરવામા આવી રહ્યો છે કે પાર્ટી પાસે કોંગ્રેસ અને જેડીએસના કેટલાક ધારાસભ્યોનુ પણ સમર્થન છે. ભાજપના ધારાસભ્ય બસવારાજ બોમ્મઈએ જણાવ્યુ હતુ કે રાજકારણ હમેંશા શક્યતાઓની રમત છે. પરંતુ રાજ્યપાલને નિર્ણય કરવાનો છે કે તેઓ કોને સરકાર બનાવવા માટે આમંત્રણ આપે છે.

કર્ણાટકમાં બુધવારે કોંગ્રેસના ધારાસભ્યોની પણ મીટીંગ મળી હતી.કોંગ્રેસના નેતા મધુયક્શી ગૌડે કહ્યું હતું કે અમારી પાસે સરકાર બનાવવા માટે બહુમતીના આંકડાઓ છે.અપક્ષ ધારાસભ્યો પણ અમારા સંપર્કમાં છે.અમે બધા ધારાસભ્યોની સહીઓ સાથે રાજ્યપાલને મળવા જઇશું.

જેડીએસની ધારાસભ્યદળની બેઠક પણ આજે મળી હતી.જેડીએસના નેતા અને સીએમ પદના દાવેદાર એચડી કુમારસ્વામીએ કહ્યું કે અમે કોંગ્રેસ સાથે મળીને જ સરકાર બનાવીશું,બીજી કોઇ પાર્ટી સાથે જવાનો સવાલ જ પેદા થતો નથી.

કર્ણાટકમાં ત્રિશંકુની સ્થિતિમાં રાજ્યપાલ વજુભાઈ વાળા પાસે અત્યારે બે વિક્લપ છે. પહેલો વિક્લપ એ છે કે તેઓ રાજ્યની સૌથી મોટી પાર્ટી ભાજપને સરકાર બનાવવા માટે આમંત્રણ આપીને બહુમત સાબિત કરવા માટે કહે. જ્યારે બીજા વિકલ્પ પોતાની પાસે બહુમતી માટે જરૂરી ધારાસભ્ય હોવાનો દાવો કરી રહેલ જેડીએસ-કોંગ્રેસને સરકાર બનાવવા માટે આમંત્રણ આપે. બંધારણી દ્રષ્ટિએ એ બાબત રાજ્યપાલ પર નિર્ભર કરે છે કે તેઓ કોને સરકાર બનાવવા માટે આમંત્રણ આપે છે. દરમિયાન ધારાસભ્યો ખરીદવાની આશંકાને પગલે ત્રણેય પક્ષો દ્વારા પોતાના ધારાસભ્યોને તુટતા બચાવવા માટે પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા છે.

કર્ણાટકમાં કોઇ એક પક્ષને સ્પષ્ટ બહુમતી નહીં મળ્યાં પછી હવે બોલ રાજ્યપાલ વજુભાઇ વાળાના કોર્ટમાં આવ્યો છે.50 કરતાં વધુ વર્ષોથી આરએસએસ સાથે જોડાયેલાં અને ગુજરાત સરકારમાં લાંબો સમય નાણામંત્રી રહેલા વજુભાઇ વાળા સૌથી વધુ સીટો મેળવેલી ભારતીય જનતા પાર્ટીને સરકાર રચવા આમંત્રણ આપે તેવી પુરી શક્યતા છે.

 

 

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.