ભૂકંપપ્રુફ મકાનની ડિઝાઇન બદલ આઠ યુવાનોને એવોર્ડ

સેપ્ટમાંથી પાસ થયેલા વિદ્યાર્થીઓની સિદ્ધિ
By: admin   PUBLISHED: Fri, 11 Jan 2019 00:11:06 +0530 | UPDATED: Fri, 11 Jan 2019 00:11:06 +0530

રેસીલીઅન્ટ હોમ્સ ચેલેન્જ સ્પર્ધામાં વિશ્વભરના ૧૨૦થી વધુ દેશોના ત્રણ હજારથી વધારે આર્કિટેક્ટસે ભાગ લીધો

અમદાવાદની સેપ્ટ યુનિવર્સિટીમાંથી તાજેતરમાં પાસઆઉટ(પાસ થયેલા) આઠ આર્કિટેક્ટ્‌સની ટીમ કમ્પાર્ટમેન્ટ એસ ૪ને ભૂકંપપ્રુફ મકાનની ડિઝાઇન બનાવવા બદલ રેસીલિઅન્ટ હોમ્સ ચેલેન્જ વિશ્વસ્પર્ધામાં આંતરરાષ્ટ્રીય એવોર્ડ મળ્યો છે.

વર્લ્ડ બેન્ક, યુનાઇટેડ નેશન્સ-યુએન હેબીટાટ, એર બીએનભી, જીએફડીઆરઆર(ગ્લોબલ ફેસિલિટી ફોર ડિઝાસ્ટર રિડકશન એન્ડ રિકવરી) અને બિલ્ડ એકેડમી દ્વારા ભૂકંપ, પૂર સહિતની કુદરતી આપત્તિઓ સામે પ્રતિકાર અને રક્ષણ કરી શકે તેવા મકાનની ડિઝાઇન તૈયાર કરવા અંગે યોજાયેલી રેસીલિઅન્ટ હોમ્સ ચેલેન્જ સ્પર્ધામાં દુનિયાભરના ૧૨૦ દેશોના ત્રણ હજારથી વધુ આર્કિટેક્ટ્‌સે ભાગ લીધો હતો અને તેમાં અમદાવાદના આ યુવા આઠ આર્કેટેક્ટસની ટીમ વિજેતા જાહેર થઇ હતી, જે અમદાવાદ અને સમગ્ર ગુજરાત માટે બહુ મોટા ગૌરવની વાત છે.

અમદાવાદ અને ગુજરાતનું ગૌરવ દુનિયાભરમાં વધારનારા સેપ્ટમાંથી પાસ આઉટ થયેલા આ આઠ યુવા આર્કિટેક્ટ્‌સમાં માનુની પટેલ, ક્રિષ્ણા પરીખ, અમન અમીન, કિશન શાહ, મોનિક શાહ, નિશિતા પરમાર, પ્રાસિક ચૌધરી અને વેદાન્તી અગરવાલનો સમાવેશ થાય છે.

આ સમગ્ર સ્પર્ધા અને અનોખી સિધ્ધિ વિશે વાત કરતાં યુવા કમ્પાર્ટમેન્ટ એસ ૪ના યુવા આર્કિટેક્ટ્‌સ માનુની પટેલ અને ક્રિષ્ણા પરીખે જણાવ્યું હતું કે, રેસીલિઅન્ટ હોમ્સ ચેલેન્જ સ્પર્ધાની સ્પર્ધામાં સૌથી મોટી શરત એ હતી કે, ભૂકંપપ્રુફ મકાનની ડિઝાઇનમાં મટીરીયલ્સ, મજૂરી, માલની હેરફેર કરવાના ખર્ચ સહિત કુલ દસ હજાર અમેરિકી ડોલરમાં ઘરનું બાંધકામ થઇ જવું જોઇએ. જો કે, અમારા ઉપરોકત આઠ યુવા આર્કિટેક્ટસની ટીમે પર્વતીય વિસ્તાર અને ખાસ કરીને રીકટર સ્કેલ પર ૭ની તીવ્રતાના ભૂકંપનો પ્રતિકાર કરી શકે તેવી ડિઝાઇન રજૂ કરવામાં આવી હતી.

એટલું જ નહી, લોકલ ચીજવસ્તુઓ, વેસ્ટ, લાકડા સહિતના મટીરીયલ્સમાંથી સમગ્ર બાંધકામ તૈયાર કરવામાં આવ્યું હતું. ભૂકંપના ઝોન-૫માં આવતાં ઉત્તર કાશી, ઉત્તરાખંડના પર્વતીય વિસ્તારોને ધ્યાનમાં રાખીને આ ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી. જે ભૂકંપથી ભેખડ ધસી પડે તો પણ રક્ષણ આપે તે પ્રકારની ડિઝાઇન તૈયાર કરાઇ હતી.

યુવા આર્કિટેક્ટ્‌સ માનુની પટેલ અને ક્રિષ્ણા પરીખે વધુમાં ઉમેર્યું કે, રેસીલિઅન્ટ હોમ્સ ચેલેન્જ સ્પર્ધામાં દુનિયાભરના ૧૨૦ દેશોના ત્રણ હજારથી વધુ આર્કિટેક્ટ્‌સે ભાગ લીધો હતો અને તેમાં અમારા આઠ યુવા આર્કિટેક્ટસની ટીમ કમ્પાર્ટમેન્ટ એસ ૪ વિજેતા જાહેર થતાં બહુ ખુશી અને ગૌરવની લાગણી થાય છે.

હવે આગામી માર્ચ-૨૦૧૯માં આ સ્પર્ધાનો એવોર્ડ સમારોહ વોશિંગ્ટન ખાતે યોજાશે અને તેમાં વિજેતાઓના નામ જાહેર કરી તેમની ડિઝાઇન પ્રદર્શનમાં રજૂ કરવા માટે તેમ જ પ્રોજેક્ટ ફંડીગ સહિતની અન્ય મદદ અને પ્રમાણપત્ર-સન્માન એનાયત કરવામાં આવશે. આઠ યુવા આર્કિટેક્ટ્‌સમાં માનુની પટેલ, ક્રિષ્ણા પરીખ, અમન અમીન, કિશન શાહ, મોનિક શાહ, નિશિતા પરમાર, પ્રાસિક ચૌધરી અને વેદાન્તી અગરવાલને ઉપરોકત ઇન્ટરનેશનલ એવોર્ડ પ્રાપ્ત કરવા બદલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનથી માંડી રાજય સરકારના સત્તાવાળાઓ તરફથી ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવ્યા છે.

સિદ્ધિઓની સાથે સાથે......યુવા આર્કિટેક્ટ્‌સ કચ્છ ક્ષેત્રમાં પણ કામ કરશે

આ યુવા આર્કિટેક્ટ્‌સ કચ્છ સહિતના ક્ષેત્રમાં પણ કામ કરશે

ભૂકંપપ્રુફ મકાનની ડિઝાઇન તૈયાર કરવા બદલ અમદાવાદનું નામ વૈશ્વિક ફલક પર રોશન કરનાર માનુની પટેલ, ક્રિષ્ણા પરીખ સહિતના આ આઠ યુવા આર્કિટેક્ટ્‌સ સાથે ખુદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ પણ વાતચીત કરી હતી અને તેમને અભિનંદન પાઠવ્યા હતા. એટલું જ નહી, રાજયમાં કચ્છ સહિત ભૂકંપની શકયતાવાળા વિસ્તારોમાં કઇ રીતે ભૂકંપપ્રુફ મકાનો, બાંધકામ અને ડિઝાઇન તૈયાર કરી શકાય તે મામલે પણ આ આઠ યુવા આર્કિટેક્ટસની ટીમ કામ કરવા આતુર છે. આ ઉમદા કાર્ય માટે તેઓ રાજય સરકાર સહિતના સત્તાવાળાઓ સાથે પણ વાટાઘાટો કરી રહ્યા છે અને જો આ અંગેની ઓફર આવે તો તે પ્રોજેકટ પર પણ કામ કરવાની તૈયારી બતાવી હતી.

સિમેન્ટ-કોંક્રિટ નહી પરંતુ સ્થાનિક ચીજવસ્તુઓમાંથી મકાન તૈયાર

સેપ્ટમાંથી પાસ આઉટ થયેલી આ આઠ યુવા આર્કિટેક્ટસની ટીમ એક નવા કન્સેપ્ટ સાથે જ કામ કરી રહી છે અને તે એ છે કે, મકાનનું કે ઘરનું બાંધકામ સિમેન્ટ કોંક્રિટ નહી પરંતુ સ્થાનિક લાકડા, બામ્બુ, કાદવ, માટી, નળિયા સહિતની ચીજવસ્તુઓ અને મટીરીયલ્સમાં તૈયાર કરી રહી છે અને આવા મટીરીયલ્સમાંથી પણ તેઓ ભૂકંપપ્રુફ મકાન તૈયાર કરી બતાવે છે. તે જ કાબેલિયત અને વિશેષતા છે આ ટીમની. ગ્રામીણ વિસ્તારોમાં પરંપરાગત તકનીક અને સ્થાનિક વાતાવરણને સમજયા પછી તેમની ડિઝાઇન કરવા માટે તેઓ ઘણો સમય પર આવા આંતરિયાળ વિસ્તારોમાં પસાર કરે છે અને પછી તેને સિધ્ધ કરી બતાવે છે.

ભાટ પાસેના તળાવ સહિતના અનેક પ્રોજેકટ પર કામ

બહુ પ્રતિભાશાળી અને સમાજ માટે કંઇક કરવાની ભાવના સાથે કામ કરી રહેલા આ આઠ યુવા આર્કિટેક્ટ્‌સ ગાંધીનગર ભાટ પાસે તળાવને પુર્નજીવિત કરવાના પ્રોજેકટ પર કામ કરી રહ્યા છે. તો, એશિયાની સૌથી મોટી એપીએમસી(ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ) ધરમપુર ખાતે ૧૧ એકરમાં બનાવવા, વલસાડ ખાડી પાસે લાકડાને રિપ્લેસ કરી શકે તે પ્રકારે બામ્બુમાંથી ડિઝાઇન તૈયાર કરવી અને આદિવાસી વિસ્તારમાં સ્થાનિક પર્યાવરણ અને ચીજવસ્તુઓમાંથી આંગણવાડી બનાવવા સહિતના અનેકવિધ પ્રોજેકટ પર કામ કરી રહ્યા છે.

છેલ્લા ૨૩ વર્ષમાં ૪.૧ અબજ લોકો ઘરવિહોણાં બન્યા

યુવા આર્ક્ટિેક્ટ્‌સ માનુની પટેલ અને ક્રિષ્ણા પરીખે જણાવ્યું હતું કે, દર વર્ષે વાવાઝોડા, હીટવેવ, ભૂકંપ અને પૂર-સુનામી સહિતની કુદરતી આપત્તિઓના કારણે વિશ્વના કરોડો લોકો જીવ ગુમાવી રહ્યા છે. કુદરતી આપત્તિઓના કારણે છેલ્લા ૨૩ વર્ષમાં દુનિયાભરમાં કુલ ૪.૧  અબજ લોકો ઘરવિહોણાં બન્યા છે અથવા તો ઇજા પામ્યા છે.

માનવજીવનને બચાવવા અને વિશ્વના અર્થતંત્રને શકય એટલુ ઓછુ નુકસાન થાય તે પ્રકારે મકાનો-ઘર બાંધવા અને ડિઝાઇન તૈયાર કરવા માટે સ્થાનિક તકનીક, ચીજવસ્તુઓ અને પરંપરાનો આધાર લેવો જરૂરી છે. તેમણે ઉમેર્યું કે, શહેરી વિસ્તારોમાં તો ઘણા આર્કિટેક્ટ્‌સ અને નિષ્ણાતો કામ કરતા હોય છે પરંતુ ગ્રામીણ અને આંતરિયાળ વિસ્તારમાં કોઇ કામ કરવા તૈયાર થતા નથી, તેથી અમે ગ્રામીણ વિસ્તારોમાં ભૂકંપપ્રુફ અને કુદરતી આપદાઓથી રક્ષણ આપતી ડિઝાઇન તૈયાર કરવાને વધુ પ્રાધાન્યતા આપીએ છીએ.

 

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.