સનાતન સંસ્થા સાથે સંકળાયેલ શખ્સના ઘરેથી મળ્યા વિસ્ફોટક

મુંબઈ એટીએસને વૈભવ રાઉતના ઘરેથી ૮ દેશી બોંબ અને બોંબ બનાવવાની કેટલીક સામગ્રી મળી આવી
By: admin   PUBLISHED: Fri, 10 Aug 2018 13:06:21 +0530 | UPDATED: Fri, 10 Aug 2018 21:15:20 +0530

મહારાષ્ટ્ર એટીએસે પાડ્યા દરોડા

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના નલ્લાસોપારા પશ્ચિમ સ્થિત ભંડાર અલી વિસ્તારમાં મોડી રાત્રે મહારાષ્ટ્ર એટીએસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાંથી એક ઘરમાંથી મોટી માત્રામાં વિસ્ફોટક સામાન મળી આવ્યો છે. આ ઘર સનાતન સંસ્થા સાથે સંકળાયેલ વૈભવ રાઉતનુ હોવાનુ મનાઈ રહ્યુ છે. આ સંસ્થાનુ નામ ગોવિંદ પાનસોર અને ગૌરી લંકેશ મર્ડર કેસમાં પણ સામે આવી ચુક્યુ છે. હાલ એટીએસે વૈભવ રાઉતની પણ અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે.

 ગુપ્તચર જાણકારી મળ્યા બાદ ગત રાત્રે ૮ વાગ્યાની આસપાસ મહારાષ્ટ્ર એટીએસની ટીમે વૈભવ રાઉતના ઘરે દરોડા પાડ્યા હતા. એટીએસની આ રેડમાં મહારાષ્ટ્ર પોલીસની ટીમ અને ડોગ સ્ક્વોડ પણ સામેલ હતી.  એટીએસના સુત્રોનુ કહેવુ છે કે રાઉતના ઘરેથી ૮ દેશી બોંબ મળી આવ્યા છે. જ્યારે તેના ઘરેથી થોડા અંતરે આવેલ તેની દુકાનમાં બોંબ બનાવવાની સામગ્રી મળી આવી છે.

આ અંગેના અહેવાલ વાયુ વેગે પ્રસરી જતા આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. એટીએસને જે બોંબ બનાવવાની સામગ્રી મળી છે, તેમાં સલ્ફર અને ડેટોનેટર સામેલ છે. જે સલ્ફર મળી આવ્યુ છે તેનાથી આશરે ૨ ડઝન બોંબ બનાવી શકાય છે. વૈભવના ઘરેથી જપ્ત કરાયેલ સામગ્રીને એટીએસની ટીમે હાલ તપાસમાં મોકલી છે. તેમજ વૈભવ રાઉતની અટકાયત કરી તેની કડક પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. 

સુત્રોનું કહેવુ છે કે એટીએસની ટીમ છેલ્લા કેટલાક દિવસથી સતત વૈભવને ટ્રેક કરી રહી હતી અને ગુરુવારે સાંજે તેમણે તેના ઘરે રેડ કરી. રેડ દરમિયાન વૈભવ ઘરે જ હાજર હતો, જેથી તેની પણ અટકાયત કરી લેવામાં આવી છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.