લક્ષ્મીબાઇની દોસ્ત તરીકેની ભૂમિકા પડકારરૂપ : અંકિતા

મણિકર્ણિકા ફિલ્મના પ્રમોશન માટે અંકિતા પહોંચી
By: admin   PUBLISHED: Thu, 17 Jan 2019 22:43:53 +0530 | UPDATED: Thu, 17 Jan 2019 22:43:53 +0530

પવિત્ર રિશ્તા બાદથી ફિલ્મ મણિકર્ણિકામાં સ્ટાર કંગનાની સાથે ડેબ્યુ કરી રહેલ અંકિતાએ ખુબ નિખાલસ વાત કરી

પવિત્ર રિશ્તા સિરિયલની સફળતા બાદ મણિકર્ણિકામાં કંગના રનૌત સાથે ડેબ્યુ કરી રહેલી અંકિતા લોખંડે તેની આ ફિલ્મના પ્રમોશનને લઇ આજે અમદાવાદની મહેમાન બની હતી. બોલીવુડમાં પોતાનો દમ બતાવી રહેલી આ નવોદિત અભિનેત્રી અંકિતા લોખંડેએ ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, મણિકર્ણિકા ફિલ્મ એ આઝાદીની લડત વખતે દેશ કાજે પોતાની જાન ન્યોછાવર કરનારી ઝાંસીની રાણી લક્ષ્મીબાઇની ઐતિહાસિક શૌર્યગાથા રજૂ કરે છે, જેમાં રાણી લક્ષ્મીબાઇની દોસ્ત ઝલકરીબાઇ તરીકેનો રોલ નિભાવવો ઘણો રોમાંચક અને પડકારજનક રહ્યો. ફિલ્મને લઇ ઘોડેસવારી, ગન ચલાવવા સહિતની અનેક નવી વાતો અને બાબતો શીખવા મળી અને જાણવા મળી, જે મને આગામી કારકિર્દીમાં બહુ ઉપયોગી અને મદદરૂપ સાબિત થશે.

મણિકર્ણિકા ફિલ્મમાં તેણે પોતાના રોલ વિશે વાત કરતાં જણાવ્યું કે, ઝલકરીબાઇ રાણી લક્ષ્મીબાઇની એવી બહાદુર દોસ્ત હતી કે, જે તમામ મુશ્કેલીઓ અથવા તો પડકારજનક સ્થિતિમાં તેની સાથે રહી હતી. એટલે સુધી કે, અંગ્રેજો જયારે રાણી લક્ષ્મીબાઇને શોધવા આવતાં ત્યારે ઝલકરીબાઇનું વ્યકિતત્વ પણ લક્ષ્મીબાઇ જેવું જ હોઇ તે રાણી લક્ષ્મીબાઇનો આભાસ રજૂ કરી અંગ્રેજોને થાપ આપતી હતી અને તેઓને મૂંઝવણભરી પરિસ્થિતિમાં મૂકતી હતી.

સ્માર્ટ અને સૌમ્ય સ્મિત સાથે બોલીવુડની આ ઉભરતી હીરોઇન અંકિતા લોખંડેએ જણાવ્યું કે, મણિકર્ણિકા તેની ડેબ્યુ ફિલ્મ હોઇ તે ભારે ઉત્સાહિત છે અને તેને આશા છે કે, દર્શકોને ભારતના ઇતિહાસની આ ઐતિહાસિક શૌર્યગાથા ખૂબ પસંદ આવશે  અને ફિલ્મને અદ્‌ભુત પ્રતિસાદ સાંપડશે. ભારતના ઇતિહાસમાં પણ ઝાંસીની રાણી લક્ષ્મીબાઇ, ઝલકરી બાઇ સહિતની અનેક મહિલાઓના બહુમૂલ્ય અને ના ભૂલી શકાય તેવા યોગદાનને ટાંકતાં અંકિતા લોખંડેએ આજના યંગસ્ટર્સને ખાસ કરીને યુવતીઓને સંદેશો આપતાં જણાવ્યું હતું કે, તેઓએ કોઇનાથી ડરવાની કે દબાવાની જરૂર નથી. તેમના મનની ઇચ્છાઓ અને અપેક્ષાઓ કે સપના સાકાર કરવા તેઓએ મુકતમને કાર્યરત રહેવું જોઇએ. આજના યુગમાં છોકરીઓ કે યુવતીઓ કોઇનાથી કમ નથી, સ્ત્રી સશક્તિકરણની વાતો યુવતીઓના સન્માન અને સમાજમાં તેમના સાચા સ્થાન થકી સાર્થક થઇ શકશે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.