લોકસભાની ચુંટણી પહેલા શરુ થઈ પક્ષ પલટાની જુની રાજનીતિ

આગામી દિવસોમાં હજી કેટલાક નેતાઓ કરી શકે છે પક્ષ પલટો
By: admin   PUBLISHED: Tue, 10 Jul 2018 14:59:02 +0530 | UPDATED: Thu, 12 Jul 2018 02:34:21 +0530

અલ્પેશના રુપમાં યુવા અને ઠાકોર ચહેરાની તલાશમાં ભાજપ, રાજ્યમાં ૧૫થી વધુ ચાલુ સાંસદોની ટિકિટ કાપી નવા ચહેરા ઉતારશે ભાજપ

લોકસભાની ચુંટણી પહેલા ફરી એકવખત ગુજરાત રાજકારણનું કેન્દ્ર બની રહ્યુ છે. આગામી ૧૬ તારીખે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે જ્યારે ૨૦મી તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ વખતે ભાજપ માટે ગુજરાતમાં કપરા ચઢાણ જોવા મળી રહ્યા છે. વિધાનસભાની ચુંટણીમાં થયેલ રકાસ બાદ પાર્ટી હવે ફૂંકી ફૂંકીને પગલા ભરી રહી છે.

થોડા દિવસ પહેલા જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે રાજ્યમાં તમામ ૨૬ બેઠકો જાળવી રાખવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પરંતુ અંદરખાનેથી ભાજપ પણ જાણે છે કે બહાર કહેવુ અને તે કરવુ તેમાં ઘણું અંતર છે. આજ કારણ છે કે ભાજપ હવે પોતાની જુની નીતિ એટલે કે કોંગ્રેસમાં તુટ પડાવવા પર ફરી કામ કરવા લાગી છે. જે અંતર્ગત પ્રથમ તબક્કામાં કુંવરજી બાવળિયાને ભાજપમાં લાવવામાં સફળતા મળી છે.

જસદણમાં કુંવરજીનુ કોળી મતદારો પર થોડુ ઘણુ મહત્વ છે બાકી બોટાદમાંથી તેઓ ટીડી માણિયા જેવા નવા ઉમેદવારો સામે પણ ચુંટણી હારી ચુક્યા છે. બાવળિયાને ભાજપમાં લાવીને પક્ષે આડકતરી રીતે પુરુષોત્તમ સોલંકીને સાઈડલાઈન કરી દીધા છે. બાવળિયા બાદ વિક્રમ માંડમની નારાજગીની વાતો પણ ચાલી રહી છે. માંડમ આહિર જ્ઞાતિમાંથી આવે છે અને છેલ્લા કેટલાક વર્ષોથી આહિરોનો રાજકીય ઝુકાવ કોંગ્રેસ તરફી રહ્યો છે.

 પૂનમબેન માંડમ અત્યારે જામનગરથી સાંસદ છે પરંતુ સમાજમાં તેમના પ્રત્યે અત્યારે નારાજગી જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં વિક્રમ માંડમ ભાજપમાં જોડાય તો પણ ભાજપને તેનાથી કોઈ ખાસ ફાયદો થાય તેવી સ્થિતિ નથી. માંડમ અને બાવળિયા વચ્ચે રાજકોટમાં ઈન્દ્રનીલ રાજ્યગુરુને લઈને પણ ચર્ચા ચાલી રહી છે. ઈન્દ્રનીલ પોતાની તમામ તાકાત લગાવવા છતા વિધાનસભાની ચુંટણીમાં હાર્યા હતા તે સૌ કોઈ જાણે છે.

થોડા દિવસ પહેલા કોંગ્રેસના યુવા નેતા અલ્પેશ ઠાકોર પણ કોંગ્રેસ છોડી રહ્યા હોવાની અટકળો સામે આવી હતી. ભલે અત્યારે આ મામલે કોઈ ટિપ્પણી કરવા તૈયાર નથી. પરંતુ આગામી દિવસોમાં અથવા ટૂંક સમયમાં જ આ અટકળો સાચી ઠરે તો નવાઈ નહીં.

રાજકીય સુત્રો પર વિશ્વાસ કરે તો કોંગ્રેસ જો પાટણ બેઠક પરથી જગદીશ ઠાકોરને મેદાને ઉતારે તો ભાજપ તેમની સામે અલ્પેશ ઠાકોરને મેદાને ઉતારવાનુ વિચારી શકે છે. બન્ને પક્ષો માટે પાટણ, બનાસકાંઠા અને મહેસાણામાં ચૌધરી, ઠાકોર અને પટેલ જ્ઞાતિનું સંતુલન સાધવુ જરુરી છે. જેને ધ્યાનમાં રાખી ઉમેદવારોની પસંદગી થઈ શકે છે. છેલ્લા કેટલાક સમયથી અલ્પેશ ઠાકોર શંકરભાઈ ચૌધરીના સંપર્કમાં હોવાનુ પણ ચર્ચાઈ રહ્યુ છે.

એવી પણ ચર્ચા છે કે, અલ્પેશ ઠાકોર લોકસભાની ચુંટણી લડવા માટે રાધનપુર બેઠક પરથી રાજીનામુ આપે તો તેની પેટાચુંટણી લડીને શંકરભાઈ ચૌધરી સરકારમાં વાપસી કરી શકે છે. વળી અલ્પેશ ઠાકોરના સમર્થનના કારણે શંકરભાઈ માટે જીતવુ પણ સરળ બની જાય. ભાજપ પાસે હાલ ઋત્વિજ પટેલ સિવાય કોઈ યુવા ચહેરો નથી. આવી સ્થિતિમાં અલ્પેશના રુપમાં ભાજપ એક યુવા ચહેરો પણ શોધી રહ્યુ છે.

જોકે બીજીબાજુ કોંગ્રેસના નેતાઓની પાર્ટીમાં એન્ટ્રીથી ભાજપમાં આંતરીક વિખવાદ પણ ઉભો થયો છે. બાવળિયાને મંત્રી બનાવાતા પાર્ટીના જ કેટલાક ધારાસભ્યો નારાજ હોવાનુ ચર્ચાઈ રહ્યુ છે જેનો ફાયદો કોંગ્રેસ પણ ઉઠાવી શકે છે. પોતાના નુકશાનને અટકાવવા કોંગ્રેસ અત્યારે કનુભાઈ કલસરીયા સહિતના કેટલાક નેતાઓના સંપર્કમાં છે.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.